​કાનાના કપટ

​કાનાના કપટ
સાખી-ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના

મોહનજી ચોરતાં માખણ, 

હવેના દાણ ચોરે છે..
સાખી-ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું

રમાડ્યા રાસ છે કાને,   

હવે નટીઓ નચાવે છે..
કપટ કેવાં હરિ કરતો, 

બહાના દઈ ને લીલા ના

કરાવે કર્મ સૌ પોતે,   

વળી  હિસાબ દેવા ના..
સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની

છુપાઈ ને લત્તાઓ માં,   

છે ચોર્યા ચિર ગોપી ના..
અધિક આપે તું પાપી ને,   મહેલો માન મોટર ના

ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના..
મહા કાયોને પણ મળતાં,  

ઉદર ભરવાને આહારો

નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના..
વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર

પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  ભરખતાં બાળ પોતાના..
રંજાડે રંક જનને કાં,   

બતાવી બીક કર્મો ની

નથી હલતાં કોઈ પત્તાં,  

જો તારી મરજી વિના ના..
દયા ” કેદાર ” પર રાખી, 

ના કરજો કૂડ મારામાં

ગુજારૂં હું જીવન મારું,   

પ્રભુ તુજ ગાન કરવામાં..

સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?  
૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?
૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.
૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.

પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.
૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે. 
૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.
૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.

જય નારાયણ. 

​કાનજી કાળા

​કાનજી કાળા

ઢાળ:- રાગ પ્રભાતી જેવો
કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે…
રામ બની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રે

અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે…
એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે

ધોબી ના વચને રાણી સીતા ને, કષ્ટ દીધાં બહુ ભારી રે…
કૃષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે

છોગાળા ને તું છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે…
જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે

રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે…
બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે

પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે…
” કેદાર ” કપટ એક કાન કરી દે,  મુજ પાપી ને પાર કરી દે

જગત બધાને જાણ કરી દે,    તું અધમ નો પણ ઉદ્ધારી રે… 

માં

​માં

સાખી-ઉદરમાં ભાર વેઠીને, સહી પીડા પ્રસવ કેરી,

કરાવ્યું પાન અમ્રુતનું, બની ને પંડની વેરી.
જેનો જગમાં જડે નહિ જોટો..

ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી….
નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો

લીધો ઉર ક્ષુધાતુર જાણ્યો…કેવી…
મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી

જીવનની રાહ બતાવી….કેવી..
જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો

ત્યાં તો આવે દેતી દોટો..કેવી…
જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું

પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવી…
ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો

તો એ માને મન ઘાણી ખોટો…કેવી..
પ્રભુ ” કેદાર ” કરુણા તારી, બસ એક જ અરજી મારી

ભવે ભવ હું બનું એનો બેટો…કેવી..

​પ્રભુની મહેર

​પ્રભુની મહેર
સાખી-સકળ આ સંસારમાં અમૂલખ માનુષ તન, મહેર કરી મુજને મળ્યું ધન્ય ધન્ય ભગવન્
સાખી-મહેર કરી મહારાજ તેં, આપ્યું અમને અન્ન, વાયુ જળ વસુંધરા આપી થઈને પ્રસન્ન 
પ્રભુજી તારી મુજ પર મહેર ઘણી,

માનવ કેરો દેહ  મળ્યો મને, ધન્ય ધન્ય ધરણિ ધણી…
ખબર નથી હું ક્યાં ક્યાં ભટક્યો, યોની ન જાય ગણી

જીવ જંતુ કે કીડી મકોડી,  અનહદ તુચ્છ ઘણી…
લખ ચોરાસી જીવ રગડાયો , સુખ નહીં સોઈ ની અણી

નારાયણ ની નજરું પડી ગઈ, મેં તો કદિ’એ ન ભક્તિ ભણી…
દેવો ને પણ દુર્લભ એવી, કાયા મળી મનખા તણી

અમૂલખ અવસર લાધ્યો આ મુજને,  આપ્યો ગરીબ ગણી… 
શ્વાસે શ્વાસે પ્રભુ સ્મરણ કરું હું, રટણા રામ તણી

સુમતિ આપો હરી સન્મુખ ભાળું,  ભટકું ન ભ્રમણા ભણી…
રંગે ચંગે હું આવું તારે દ્વારે, એવી આશા મનમાં ઘણી

“કેદાર” કરજો કૃપા કરુણાકર દેજો, રજ તવ ચરણો તણી…  

​પાંચાળી પોકાર

​પાંચાળી પોકાર
સાખી-વિપદ પડી મુજ રંકને, વહેલી કરજે વાર

પાંચાળી પોકાર કરે, એકજ તું આધાર..
સાખી-વહારે આવો વિઠ્ઠલા, નટવર નંદ કિશોર

પાંડવ સૌ પરવશ બન્યા, કોઈ ન ચાલે જોર
સાખી-ગણેલા તાર જે ત્યારે, પૂર્યા સૌ વ્યાજ સાથે ના

બચાવી લાજ અબળાની, ચુકવીયા ઋણ માથેના…..
ગિરધારી ગોવિંદ કૃષ્ણ મોરારી

પાય પડી પાંચાળી પોકારી,  વિપત પડી ભારી…
કાંતો આજે રૂઠી વિધાતા, કાં કઠણાઈ અમારી

કાંતો પૂર્વે પાપો કીધાં, આવી ઘડી આ અકારી….
ધર્મ ધુરંધર ધનુર્ધર અર્જુન,  ભીમ ગદા ધારી

સહદેવ નકુળ સૌથી સવાયા, પણ-બેઠાં બળ ને વિસારી…
આશરો આજે એક તમારો,  લેજો નાથ ઊગારી

દુષ્ટ દુઃશાસન દૈત્ય બની ને,   લૂંટે લાજ અમારી…
ભાવ ધરી મેં ભૂધર ભજ્યા,  માંગુ આજ મોરારી

અંગ થી અળગું વસ્ત્ર થશે તો, જાશે લાજ તમારી…
સાદ સુણી દામોદર દોડ્યાં,  કૃષ્ણ કરુણા કારી

નવસો નવાણુ ચિર પુરી ને, ” કેદાર ” અબળા ઉગારી…

​નવધા ભક્તિ 

​નવધા ભક્તિ 
રાગ- બાપુએ ગાયેલ-હેતુરે વિનાના ન હોય હેત-જેવો
સાખી-ઋષિ માતંગ ની શિષ્યા, પંપા સરોવર પાળ

એકજ આશા હરિ મળે,  પછી આવે ભલે કાળ..
સાખી-એક ભરોંસો ગુરુ દેવ નો,  વચન ન મિથ્યા જાય

કાયા મહીં કૌવત રહે, હરિ દરશન શુભ થાય 
સાખી-અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહીં કોઈ જોગ દીપ બાતી
ભીલડી તને નવધા ભક્તિ ભણાવું..

તારા મનના ઉચાટ મટાવું…તને….
સંત સમાગમ હરદમ કરવો, કથા કીરતન માં જાવું

ગુરુ પદ પંકજ પૂજા કરવી, કપટ તજી ગુણ ગાવું..
મંત્ર જાપ નિરંતર કરવા,   ભૂધર ભરોંસે ગાવું

સમય કાઢવો હરિના ભજન નો,  સજ્જન ધર્મ સમજાવું…
સકળ જગતને હરિ મય જાણી,  સંત  સવાયા ગણવું

સંતોષી રહી જીવન જીવવું,  અવગુણ કોઈનું ન જોવું….
સરલ સ્વભાવ કપટ નહીં મનમાં, હરદમ હરી ગુણ ગાવું

હરખ શોક કોઈ હૃદયે ન ધરવા, ભક્તિ રસમાં નહાવું..
જો ગુણ ભાળું એક પણ એથી,   નિશ્ચય પાર કરાવું

“કેદાર” કરુણાકર પાર ઉતારે,    ગુણ ગોવિંદ નું ગાવું…

સાર:-દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીના ઉત્તર કાંઠે કિષ્કિંધાથી બે માઈલ નૈઋત્યમાં પંપા સરોવર આવેલું છે,  
આ સરોવર પાસે રામની પરમ ભક્ત એક ભીલડી, નામે શબરી રહેતી હતી અને તે પંપા સરોવરને પશ્ચિમ કિનારે રહેતા મતંગ ઋષિની શિષ્યા હતી. મતંગ ઋષિ દેવલોકમાં જતાં પહેલાં શબરીને વચન આપતા ગયેલા કે તને રામ મળશે. જ્યારે લક્ષ્મણ સહિત રામ પધાર્યા ત્યારે એનું પૂજન કરી એમને આશ્રમમાં વનફળો ખાવા આપ્યાં. શબરી ની અનન્ય ભક્તિ જોઇને શ્રી રામ ખૂબજ ખુશ થયા, જ્યારે શબરી પોતે કોઈ જાતની ભક્તિ ની રીત ન જાણતી હોવાનું કહ્યું ત્યારે શ્રી રામે તેને નવ પ્રકારની ભક્તિ વિષે જણાવ્યું અને કહ્યું કે આમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ કોઈ કરે તો હું તેને આ ભવ સાગરથી પાર કરિદંવછુ

૧) સંત  સમાગમ.( ૨) શ્રવણ – ક્થામા પ્રેમ. (૩)  ગુરુ  સેવા. (૪)  કપટ તજીને ભગવદ
ગુણગાન. (૫)  મંત્રમા નીષ્ઠા. (૬)  અતિ પ્રવૃતિમાથી નિવૃતિ.(૭)  દરેકમાં ઇશ્વરના દર્શન.
(૮)  જેટલુ  મળે એમા સન્તોષ. (૯)  છળ કપટ વગરનુ જીવન.

​નંદ દુલારો

​નંદ દુલારો

મૈયા તારો નટખટ નંદ દુલારો

કરતો ફરે કેર કાળો……
ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો

મહી માખણ વહાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો…
મથુરા વાટે દાણલા માટે, ગોપીઓ ને દેતો બહુ ગાળો

મારગ રોકે પાલવ પકડે,   છેડે છે છબીલો છોગાળો…
રાજા કંસ નું કરજ વધ્યું છે,  દિન દિન કરે છે દેકારો

કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો…
યશોમતી કોપી લાવો એને ગોતી, દુર્ કરી દંવ દેકારો

બાંધુ એને તાણી હવે ખૂબ મૂંઝાણી, સોટી નો લઉં સથવારો…
રાવ કરી પસ્તાણી ગોપી,  મોહન તો મન હરનારો

માર સોટી નો કેમ કરી ખમશે, ” કેદાર ” કોમળ છે બાળો…